પ્રિય સુકન્યા,
ગઈકાલે આપણે વેવિશાળથી જોડાયા. સમાજની દ્રષ્ટિએ કહીએ તો આપણે ભવિષ્યમાં સત્તાવાર રીતે પતિ-પત્ની બનવાનાં છીએ. એ વાત ઉપર એક સામાજિક મહોર વાગી. સાવ અંગત રીતે કહું તો મને આ બધાં કર્મકાંડમાં બહુ રસ નથી. પણ કુટુંબમાં સૌને જે ગમતું હોય એ કરવાથી મને હંમેશા આંતરિક આનંદ મળ્યો છે,એટલે હું આ વિધિમાં જોડાયો. આપણાં લગ્ન સામાજિક ગોઠવણથી થવાના હોવાથી મેં આ વ્યવહાર સ્વીકાર્યો. કદાચ આપણે પ્રેમમાં હોત અને આપણાં પ્રેમલગ્ન હોત તો હું ચોક્કસ આ વિધિ ન થવા દેત. સીધા લગ્નનો જ આગ્રહ રાખત.
આમ તો આ યુગ વોટ્સએપ અને ફેસબુકનો છે. એટલે પત્ર લખવો એ આ સમયની વિચિત્ર અને વિશિષ્ટ ઘટના છે. તેમ છતાંય મારા વાંચન-ચિંતનના શોખને કારણે મને આ પત્ર લખવાનું મન થયું છે. ઘણીવાર એવું થાય છે કે આપણે એવું ધારીએ કે આજે પ્રિયપાત્ર મળશે ત્યારે આટલું-આટલું કહી જ દઈશ. પણ જ્યારે પ્રિયપાત્ર સામે આવે છે, ત્યારે બધાનું બાષ્પીભવન થઈ જાય છે. એમાંથી બચવા માટે મંે આ પત્રનો આશરો લીધો છે. કદાચ તને વાંચતા કંટાળો આવે તો તે મારી અણગમતી ભેટ તરીકે સ્વીકારી લેજે.
પતિ-પત્નીની જીવનયાત્રા, દામ્પત્ય જીવન વગેરે અંગે મારી કેટલીક મીઠી કલ્પનાઓ છે. તેમજ તેમાં હક અને જવાબદારી એકસરખા પ્રમાણમાં હોવા જોઈએ એવો મારો મત છે. મારી આ કલ્પના અને વિચારધારા તારી સુધી બરાબર પહાંેચે તો તે આપણી હવે પછી શરૂ થનાર જીવનયાત્રાને નિષ્કંટક બનાવે તેવી મારી શ્રધ્ધા છે. હવે હું મારી વાત શરૂ કરું છું.
લગ્નજીવન અંગે મહિલાઓને પણ અનેક સ્વપ્નો હોય છે, તારા પણ હશે. એવું બને કે તારા બધાં જ સ્વપ્ન હું પુરા ન ય કરી શકું પણ તારા દરેક સ્વપ્નને હું સન્માન ચોક્કસ આપીશ. દાંમ્પત્યજીવન શરૂ થયા પછીના બે-ત્રણ વર્ષે આપણી વચ્ચે કદાચ કોઈ નાના-મોટા ઝઘડા કે તું-તું ,મેં-મેં થાય એવું બને. પણ હું તને ખાત્રી આપું છું કે હું ગણતરીપૂર્વકનો કોઈ ગુસ્સો તારી ઉપર નહિં કરૃં. તને દાબમાં રાખવા માટે પણ હું તારી ઉપર કોઈ ગુસ્સો નહિં કરૃં. એટલે કે મારો ગુસ્સો સહજ હશે. એમાં કોઈ ભેળસેળ, ગણિત કે ગણતરી નહિં હોય. આ ઉપરાંત ગુસ્સો જે વાત કે વિષય પર હશે તે પુરતો જ એ મર્યાદિત રહેશે. એનો ડંખ મારા મનમાં લાંબો સમય સુધી નહિં રાખું, નહિં રહે. તારી કોઈ ભુલ હું સુક્ષ્મદર્શક કાચ લઈને નહિં નિહાળું. હું અંગત રીતે કોઈ દિવસ તારો બોસ થવાનો પ્રયત્ન નહિં કરૂ. મારે જીંદગીભર તારા મિત્ર રહેવું છે. તારા દરેક કુટુંબીજનને હું મારા કુટુંબીજન ગણીશ. તું પત્ની છો અને હું જમાઈ છું એવો રોફ્ તારે ઘરે આવીને હું કોઈ દિવસ નહિં છાંટું. મને તારા માતા-પિતાના જમાઈ થવા કરતાં દીકરા થવામાં વધારે આનંદ આવશે. આ વાતને સરળતાથી સમજાવું તો એમ કહી શકાય કે હું તારે ઘરે આવું ત્યારે તારા-મમ્મી મારી માટે પાણીનો ગ્લાસ લઈને આવે એ કરતાં હું જાતે તારા ઘરના રસોડામાં આવેલ પાણીયારામાં જઈને જાતે પાણી પી લેવાનું વધારે પસંદ કરીશ.
એમ કહેવાય છે કે જોડીઓ સ્વર્ગમાં સર્જાય છે. ઈશ્વર દ્વારા સર્જાય છે. એટલે આપણા જોડાવાની ઘટનાને ઈશ્વરની પ્રસાદી ગણી તેનો આદર કરવો જોઈએ. એ રીતે તું મારા માટે ઈશ્વર દ્વારા મોકલાયેલી એક શ્રેષ્ઠ ભેટ છો અને હું જ્યાં સુધી આપણે સાથે રહીશું ત્યાં સુધી એ માન્યતાને વળગીને જ જીવીશ. આપણી સંસારયાત્રા જેમ આગળ વધતી જશે તેમ-તેમ આપણી જવાબદારીઓ પણ વધતી જશે. એ જવાબદારીનું વહન કરતી વખતે હું તને તારાથી થોડોક અળગો થયેલો લાગું તો તેને મારા પ્રેમનો અભાવ ન ગણતી. હું એવું માનું છુું કે “પ્રેમ” એ જવાબદારીનો વિષય છે. તમે જેને પ્રેમ કરતાં હો તેમની પ્રત્યે તમારી ભરપુર જવાબદારીઓ હોય છે અને એ જવાબદારીનું નિષ્ઠાપૂર્વક વહન કરવું એ જ સાચો પ્રેમ છે. વ્યવસાય અને વ્યવહારમાં જોડાયા પછી હું તને બધે સાથે ન લઈ જઈ શકું તો તેને મારી મજબુરી ગણજે, આનંદ નહિં. મારો શોખ વાંચવાનો છે. લખવાનો છે. તને પ્રેમ કરતાં મને જેટલો આનંદ અને સંતોષ પ્રાપ્ત થાય એટલી જ તૃપ્તિ મને વાંચવા-લખવામાં પણ થાય છે. એટલે, હું જ્યારે વાંચતો-લખતો હોઉ ત્યારે તારી કોઈ વાત ન સાંભળું કે ન સમજું તો તેને મારી બેદરકારી ન સમજતી. ઉલ્ટું એવો પ્રયત્ન કરજે કે મારા વાંચવા-લખવાના સમયગાળા દરમિયાન તારે જો મને કશુંક કહેવું જ પડે એમ હોય તો એક કાગળમાં લખીને મારા હાથમાં આપી દેજે. હું જે કંઈ વાંચતો-લખતો હોઈશ એના યોગ્ય વિરામ પર એ ચબરખી વાંચી અને તારી જોડે સંવાદ કરી લઈશ. તું હોઈશ તો મારી પત્ની પણ તારૃં સ્વરૂપ સાથીદારનું રહેશે. સાથીદાર એટલે જે સતત સાથે ચાલે તે. સાથે ચાલનારની ગતિનું સમાયોજન સાધવું એ બંને પક્ષની ફ્રજ ગણાય. હું એ બાબતમાં હંમેશા સજાગ રહીશ અને તારી સાથે ચાલી શકાય તેવો પ્રયત્ન કરીશ.
તું મારી જીવનસાથી બનવા જઈ રહી છો ત્યારે આપણી દામ્પત્યયાત્રા દરમિયાન જો કોઈ સંતાનો જન્મશે તો તેનો ઉછેર એ માત્ર તારી જવાબદારી જ છે એવું હું ક્યારેય નહિ સમજું. એ આપણાં બંનેની જવાબદારી છે એ મારી કાયમી સમજણ રહેશે. એટલે ભાવિ બાળકના ઉછેરના સંદર્ભમાં હું કાયમ તને મદદ કરીશ. માની લ્યો કે આપણી સંસારયાત્રા દરમિયાન કોઈ બાળકની ભેટ ઈશ્વરે આપણને ન આપી, તો હું એ ખોટ તને લાડ કરાવીને પુરી કરીશ. અલબત્ત, તું એક મહિલા છો એટલે માતૃત્વની ઈચ્છા તને પ્રબળ હોય એ સહજ છે. એટલે જો તું ઈચ્છીશ તો તે માટે ઉભય પક્ષનું તબીબી પરીક્ષણ, સારવાર વગેરે બધું જ કરવા-કરાવવા હું તૈયાર રહીશ. હું એવું માનું છું કે બાળક પણ ઈશ્વરની કૃપાનું ફ્ળ છે. એ ફ્ળ શારીરિક પ્રક્રિયા ઉપરાંત અન્ય કોઈ પુરૂષાર્થથી જ મળવાનું ભાગ્યમાં નિર્ધારાયું હશે તો તેમ કરવામાં પણ હું કોઈ નાનમ નહિં અનુભવું તેની તને ખાત્રી આપું છું.
દામ્પત્યજીવનનો પ્રારંભ કરીએ ત્યારે એ યાત્રા સુખરૂપ, સુંદર રીતે ચાલે એ માટે પતિ-પત્ની વચ્ચે સુંદર સંવાદ હોવો એ પ્રથમ અને અનિવાર્ય શરત છે. આ સંવાદ સ્થપાય તેની જવાબદારી પુરૂષે સ્વીકારવી જોઈએ. હું આ બરાબર સમજું છું એટલે તને આ પત્ર લખ્યો છે. આ પત્રથી તું મને થોડો વધારે સમજી શકીશ. એ સમજણમાંથી તારામાં એક એવી લાગણી પ્રગટશે કે તું મને વધારે સમજવા માટે ઉત્સાહિત થઈશ. આ ઉત્સાહ મને તારી નજીક અને તને મારી નજીક લાવીને મુકી દેશે. રજનીશજી એવું કહેતા કે “જ્યારે માણસ લાગણીથી પર થઈ જાય અને બુદ્વિથી પર થઈ જાય ત્યારે જ તેનામાં સમજણ પ્રગટતી હોય છે.” એ રીતે જોઈએ તો જીવનમાં સમજણનું બહુ જ મહત્વ છે. આવી સમજણ આપણાં બંનેમાં પ્રગટે એ માટે મેં આ અક્ષરયાત્રા કરી છે. તારી સુધી પહોંચશે તે પછી તારામાં જે પ્રગટશે એ પ્રેમ હશે, પવિત્રતા હશે. એ આપણી યાત્રાને સુંદર અને નિષ્કંટક બનાવશે.
આશા છે કે તું મારી આ વાત સમજીશ અને સ્વીકારીશ.
પ્રતિ,
કુમારી સુકન્યા સુગંધવાલા
લિ. સ્વીકારની સ્નેહ યાદ
ઈતિ સિધ્ધમ :
“પાછલી ખટઘડી ‘સહજ’ સમજ્યા,
તું છે તાળું ને તું જ ચાવી છે” – વિવેક કાણે ‘સહજ’
manojshukla55@gmail.com


0 Comments