How to Setup Password SAFE




પાસવર્ડ હવે દરેક વ્યક્તિ માટે અનિવાર્ય બની ગયો છે. ઈ-મેઇલ, સોશિયલ મીડિયા સાઇટ્સ, ઓનલાઇન બેંકિંગથી માંડી મોબાઇલ ઓન કરવા સુધીનાં કામ પાસવર્ડથી થાય છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે દુનિયાના ૯૮.૮ ટકા લોકો દસ હજાર પાસવર્ડમાંથી જ એક પાસવર્ડનો ઉપયોગ કરે છે! પાસવર્ડ ક્રેકર્સ તેનો ફાયદો ઉઠાવીને તમારા એકાઉન્ટને હેક કરી લે છે. તમારો પાસવર્ડ કેટલો સેફ છે? પાસવર્ડ યાદ રાખવાની પળોજણમાંથી મુક્તિ મેળવવા લોકો સરળ પાસવર્ડ રાખે છે અને એટલે જ હેકર્સનો ભોગ બનવાના ચાન્સીસ વધી જાય છે. પાસવર્ડને લાઇટલી લેવા જેવો નથી! ચલો, આજે લેખની શરૂઆત થોડીક હળવી રીતે કરીએ. દુનિયાનો સૌથી પહેલો પાસવર્ડ કયો હતો? સીમ સીમ ખુલ જા! અલીબાબા અને ચાલીસ ચોરની વાર્તા સાંભળી છેને? અલીબાબા ગુફા પાસે જઈને પાસવર્ડ 'સીમ સીમ ખુલ જા' એમ બોલતા અને ગુફાના દરવાજા ખુલી જતા હતા. એ પછી અલીબાબાનો ખજાનો લૂંટવા અમુક લોકો આવ્યા. સીમ સીમ ખુલ જા બોલીને અંદર તો ઘૂસી ગયા પણ બહાર નીકળતી વખતે પાસવર્ડ ભૂલી ગયા! અંતે ફસાઈ ગયા. પાસવર્ડ ભુલાઈ જાય તો કેવી હાલત થાય એનું આ સૌથી શ્રેષ્ઠ પ્રાચીન ઉદાહરણ છે. એ સમયે અલીબાબાને ખબર નહીં હોય કે એક સમયે આખી દુનિયા પાસવર્ડથી ચાલતી હશે! પાસવર્ડ આજે લોકો માટે વ્યવહારનું અનિવાર્ય અંગ બની ગયું છે. પાસવર્ડ વગર દુનિયાની કલ્પના કરવી જ અઘરી છે. ઈ-મેઇલ માટે પાસવર્ડની જરૂર પડે છે. સોશિયલ મીડિયામાં મોટા ભાગના લોકો એક્ટિવ છે. ઓનલાઇન બેંકિંગથી માંડી નેટ પર દરેક કામ માટે પાસવર્ડની જરૂર પડે છે. આમ જુઓ તો આમાં કંઈ જ નવી વાત નથી, બધાને ખબર જ છે કે કોઈ પણ વ્યવહાર માટે પાસવર્ડની જરૂર પડે છે. તમારો પાસવર્ડ શું છે? આમ તો પાસવર્ડ કોઈને કહેવાય નહીં, પણ કોઈ ન કહે તોપણ હેકર્સ આપણો પાસવર્ડ શોધી લે છે. હવે તો એવાં અઢળક સોફ્ટવેર અવેલેબલ છે જે પાસવર્ડ ક્રેક કરે છે. મોસ્ટ કોમન પાસવર્ડ દુનિયાના ૯૮.૮ ટકા લોકો એવા છે જે દસ હજાર પાસવર્ડમાંથી એક પાસવર્ડ યુઝ કરે છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે મોટાભાગના લોકો પાસવર્ડ માટે પાસવર્ડ શબ્દ જ રાખે છે! યાદ રાખવાની કોઈ જરૂર જ નહીં! જોકે, પાસવર્ડ વિશે અવેરનેસ આવ્યા પછી તેનું પ્રમાણ ઘટયું છે અને લોકો સ્ટ્રોંગ પાસવર્ડ રાખવા માંડયા છે. આમ છતાં સ્ટ્રોંગ પાસવર્ડ પણ કેટલો સ્ટ્રોંગ છે એ કોઈ છાતી ઠોકીને કહી શકતું નથી. મોસ્ટ કોમન પાસવર્ડમાં બીજા જે શબ્દ છે એ એબીસીડીએફ અથવા તો વનટુથ્રીફોર હોય છે. ઘણા વળી એબીસીવનટુથ્રી પાસવર્ડ રાખે છે. એ સિવાય યુવાનો માટેનો મોસ્ટ ફેવરિટ પાસવર્ડ પોતાના પ્રેમી કે પ્રેમિકાનું નામ હોય છે. ઘણા વળી બંનેના નામ સાથે જોડીને અથવા તો બંનેના નામના અડધા અડધા અક્ષરો પાસવર્ડ બનાવે છે. પતિ-પત્ની પણ એકબીજાનાં નામ, સંતાનનાં નામ અથવા તો પોતાના ડોગી કે બીજા પેટના નામનો પાસવર્ડ રાખે છે. સાવધાની એ જ સલામતી હવે એક બીજી વાત. અમુક લોકો બધાં જ કામ માટે એક જ પાસવર્ડ રાખે છે. મતલબ કે ઈ-મેઇલ, ફેસબુક, બેંકિગ અને બીજા બધા માટે એક જ પાસવર્ડ હોય છે. એક્સપર્ટ્સ કહે છે, આવું ક્યારેય ન કરવું. આ કામ રિસ્કી છે. એક વખત કોઈના હાથમાં પાસવર્ડ આવી ગયો તો તમારું કામ તમામ થઈ જશે. એક્સપર્ટ એડવાઇઝ કરે છે કે તમે તમારા કામ માટે પાસવર્ડની ત્રણ કેટેગરી બનાવો. એક સૌથી ઇમ્પોર્ટન્ટ હોય એ, બીજું ઓછું મહત્ત્વનું અને ત્રીજું કંઈ પ્રોબ્લેમ ન થાય એવું. ત્રણ માટે અલગ અલગ પાસવર્ડ રાખો. સૌથી મહત્ત્વનું હોય એનો પાસવર્ડ સૌથી સ્ટ્રોંગ હોવો જોઈએ. લોકો આમ તો હવે પોતે જ એક્સપર્ટ થઈ ગયા છે, પણ એ ભૂલી જાય છે કે હેકર્સ આપણાથી પણ વધુ એક્સપર્ટ હોય છે. નિષ્ણાતો કહે છે કે પાસવર્ડ આલ્ફા- ન્યુમરિક રાખો. મતલબ કે અક્ષરની સાથે આંકડા પણ હોવા જોઈએ. લોકો શું કરે છે? પોતાના નામની સાથે બર્થ ડેટ લખી નાખે છે, થઈ ગયો આલ્ફા ન્યુમરિક પાસવર્ડ. આવા પાસવર્ડ તોડવા માટે તો હેકર્સની પણ જરૂર નથી પડતી, સામાન્ય બુદ્ધિ ધરાવતો માણસ પણ આપણી પ્રોફાઇલ જોઈ અંદાજ બાંધીને પાસવર્ડ લગાવી શકે છે. ભૂલ ગયા સબ કુછ... સવાલ એ થાય કે લોકો આવા ઇઝી પાસવર્ડ શા માટે રાખે છે? તેનો જવાબ સીધો અને સટ છે. પાસવર્ડ યાદ રાખવા માટે અથવા તો એમ કહો કે પાસવર્ડ ભૂલી ન જવાય એટલે. લોકો પાસવર્ડ ભૂલી જાય છે. ખોટો પાસવર્ડ આપો એટલે સામેથી પૂછવામાં આવે કે, ફર્ગેટ યોર પાસવર્ડ? આપણે ક્લિક કરીએ તો વળી આપણે જ્યારે એકાઉન્ટ ઓપન કર્યું હોય ત્યારે જે પ્રશ્નનો જવાબ આપ્યો હોય એ પૂછે. મોટાભાગના લોકો એ પણ ભૂલી ગયા હોય છે. એટલું યાદ રહેતું હોય તો પાસવર્ડ જ ભુલાયો ન હોતને! પાસવર્ડ ભુલાઈ ન જાય એટલે લોકો દરરોજ યાદ કરે છે કે આપણા પાસવર્ડ શું છે? અમુક એકાઉન્ટ લાંબો સમય ખોલ્યું ન હોય એટલે પાસવર્ડ ભૂલી જવાનું જોખમ રહે છે. ઘણા વળી પાસવર્ડ પોતાની ડાયરીમાં લખી રાખે છે અથવા તો મોબાઇલમાં સેવ કરી રાખે છે. આ તો વળી બધા કરતાં જોખમી વાત છે. પાસવર્ડ કોઈના હાથમાં આવી જાય એટલે એના માટે તો સાવ ઇઝી જ થઈ જાય! પાસવર્ડ માટે બેસ્ટ એ જ છે કે પાસવર્ડ યાદ જ રાખવો. પાસવર્ડ ક્રેકિંગ હેકર્સ સોફ્ટવેરની મદદથી પાસવર્ડ હેક કરે છે. આપણો છ અક્ષરનો આલ્ફા ન્યુમરિક પાસવર્ડ હેકર્સ સોફ્ટવેરની મદદથી સેકન્ડના છઠ્ઠા ભાગમાં ક્રેક કરી નાખે છે. પાસવર્ડ લાંબો હોય તો થોડી વાર લાગે છે. બાર અક્ષરનો આલ્ફા ન્યુમરિક પાસવર્ડ ક્રેક કરતાં ૩.૨૧ મિનિટ થાય છે. જે હેકર્સ આવું નથી કરતાં એ બીજા રસ્તા અપનાવે છે. તમને લોટરી લાગે છે એવો ઈ-મેઇલ તો આવ્યો જ હશે. એમાં વિગત માગે છે અને આઈડી તથા પાસવર્ડથી ઓનલાઇન થાવ એમ કહે છે. તમે પાસવર્ડ આપો એટલે એ રજિસ્ટર થઈ જાય છે. એ પાસવર્ડનો પછી મિસયુઝ થાય છે. હેકર્સ પાસવર્ડ ક્રેક કરવા માટે કમ્પ્યૂટર અલગોરિધમનો ઉપયોગ કરે છે. તેની પાસે સંભવિત પાસવર્ડના કોમ્બિનેશનવાળું સોફટવેર હોય છે. સાચો પાસવર્ડ આવે એટલે એ તરત જ એકાઉન્ટ ઓપન કરી આપે છે. પાસવર્ડ સેફ્ટી સૌથી સેફ પાસવર્ડ કેવો હોય? એક્સપર્ટ્સ કહે છે કે પાસવર્ડ જેટલો લાંબો હોય એટલું સારું. આ પાસવર્ડ પણ આલ્ફા ન્યુમરિક વિથ સ્પેશ્યલ કેરેક્ટર રાખવો. મતલબ કે એબીસીડીના અક્ષર પછી એકથી દસ પૈકીનો કોઈ આંકડો અને સાથે સ્પેશ્યલ કેરેક્ટર એટલે કે ડોલર, પર્સન્ટેજ જેવા કેરેક્ટરનો ઉપયોગ કરવો. એબીસીડીમાં પણ અમુક કેપિટલ અને અમુક સ્મોલ રાખવા. એક અભ્યાસ કહે છે કે દસ અક્ષરનો આલ્ફા ન્યુમરિક અને સ્પેશ્યલ કેરેક્ટરવાળા પાસવર્ડને તોડતા હેકર્સને ત્રણ અઠવાડિયાં જેટલો સમય લાગે છે અને હેકર્સ એટલો બધો સમય બગાડતાં નથી, સિવાય કે તેને મોટો દલ્લો હાથ લાગવાનો હોય! પાસવર્ડ માટે હવે તો ફેસ, ફિંગર અને આઈ આઈડેન્ટિફિકેશન પણ આવી ગયું છે. તમારો અંગૂઠો મૂકો પછી જ ખૂલે. એ વાત તો આખી દુનિયા જાણે છે કે એક વ્યક્તિના અંગૂઠાનું નિશાન બીજા સાથે ક્યારેય મેચ થતું નથી. અલબત્ત, એમાં પણ જોખમ છે અંગૂઠો છોલાઈ ગયો તો? અંગૂઠા પર દાઝી જવાયું તો? મતલબ કે પાસવર્ડ સાથે કોઈ ને કોઈ જોખમ તો રહેવાનું જ છે. નવી પાસવર્ડ સિસ્ટમ સેફ પાસવર્ડ માટે આઇટી એક્સપર્ટ સતત એલર્ટ રહે છે. એ પાસવર્ડ માટે નવી નવી રીત શોધતા રહે છે. અત્યારે જે રીત પર કામ થઈ રહ્યું છે એ છે સ્ટ્રાઇક પેટર્ન. દરેક વ્યક્તિ કમ્પ્યૂટર, લેપટોપ, મોબાઇલ કે બીજું કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણ વાપરતું હોય તેની ટાઇપ કરવાની એક ચોક્કસ પેટર્ન હોય છે. તમે અમુક રીતે જ કી-ઇન કરશો. ટચ સ્ક્રીન હોય તો પણ બધાની સ્ટાઇલ અલગ અલગ હોય છે. તમારી સ્ટાઇલ પાસવર્ડ તરીકે રજિસ્ટર થઈ જશે અને પછી તમારાં આંગળાં પડશે તો જ એકાઉન્ટ ઓપન થશે. જોકે, હેકર્સ તો ચેલેન્જ આપે જ છે કે અમે તેનો પણ તોડ શોધી લેશું. આ બધામાં વધુ ચિંતા કરવા જેવું કંઈ છે નહીં, કારણ કે ચિંતા કરવાથી કોઈ ફાયદો નથી. ઉપાય એ જ છે કે તમારો પાસવર્ડ થોડોક લાંબો રાખો અને અક્ષર, આંકડા તથા સ્પેશ્યલ કેરેક્ટરવાળો રાખો. એક ભાઈએ તો પાસવર્ડમાં સાત પેઢીનાં નામ રાખ્યાં હતાં. દરેક પેઢીની વચ્ચે પાછા વન ટુ સેવન અક્ષર લખ્યા હતા. પાસવર્ડ ક્યાંય લખી ન રાખો. બધાં એકાઉન્ટ માટે એકસરખો પાસવર્ડ ન રાખો એટલે વાંધો નહીં આવે. પાસવર્ડ અને રિલેશન આ થોડીક જુદી વાત છે. પાસવર્ડ અને સંબંધોને કંઈ સંબંધ છે ખરો? એનો જવાબ છે, હા. પાસવર્ડ જાણે વિશ્વાસનું પ્રતીક હોય એ રીતે પણ લેવામાં આવે છે! તમને કોઈ પૂછે કે તમારા પતિ અથવા તો તમારી પત્નીનો મેઇલ કે સોશ્યલ મીડિયાનો પાસવર્ડ તમને ખબર છે તો તમે શું જવાબ આપો? એથિકલી તો અંગત એ અંગત હોવું જોઈએ, પણ પ્રેમમાં એવું કહેવાય છે કે પાસવર્ડ ખબર હોય તો એકબીજાના સંબંધ ગાઢ રહે છે. ભલે કોઈ દિવસ ચેક કરતાં ન હોય, પણ એનાથી એકબીજા ઉપર ભરોસો તો બેસે જ છે. બાકી જોવાવાળા અને શંકાશીલ લોકો તો ગમે એ રીતે જોઈ જ લે છે. પ્રેમી કે પ્રેમિકા પોતાનો પાસવર્ડ કહેતાં હોય તેવા સંજોગોમાં બ્રેકઅપ થવાના કિસ્સા પણ નોંધાયા છે. તું કંઈ છુપાવતો કે છુપાવતી નથી તો પછી પાસવર્ડ કહેવામાં પ્રોબ્લેમ શું છે? આવી દલીલો પણ થાય છે. પાસવર્ડ કહ્યો હોય પછી પોતાના પ્રેમી કે પ્રેમિકાનો પાસવર્ડ ભૂલી જવાના કિસ્સા પણ બને છે. તને મારો પાસવર્ડ પણ યાદ નથી રહેતો? બીજું શું રાખ યાદ રહેવાનું છે! વેલ, આ બધી વાત પછી મુખ્ય વાતમાં એટલું જ કહેવાનું કે પાસવર્ડ માટે સતર્ક રહેજો. પાસવર્ડમાં ગફલત થઈ તો ઘણું બધું અંગત હોય એ પણ જાહેર થઈ જવાનું જોખમ રહે છે. ગુજરાતીમાં પેલી કહેવત છેને કે, ચેતતો નર સદા સુખી અને નારી પણ!

Post a Comment

0 Comments